વિશ્વ ધ્યાન દિવસ: ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાયો

વિશ્વ ધ્યાન દિવસ

વિશ્વ ધ્યાન દિવસ: સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાયો.

વિશ્વ ધ્યાન દિવસ: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે શ્રી શિવકૃપાનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને યોગપ્રેમી લોકોએ ધ્યાન શિબિરમાં સહભાગી થઈને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શ્રી શિવકૃપાનંદ સ્વામીએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ધ્યાન એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે. યોગ એ ધ્યાનનું જ એક માધ્યમ છે. યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે. યોગ અને ધ્યાનથી મન એકચિત્ત રહે છે.

વિશ્વ ધ્યાન દિવસ

ધ્યાન કરવાથી લોકો મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. વર્તમાનમાં રહેવું, જીવવું અને ચિતમગ્ન રહેવું તે ધ્યાનના માધ્યમથી જ શીખી શકાય છે. ધ્યાનના માધ્યમથી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈ શકાય છે. ધ્યાનના માધ્યમથી પરમાત્માની અનુભૂતિ થાય છે. જ્યારે મન ખૂબ જ બધા વિચારોથી ઘેરાયેલું હોય ત્યારે ધ્યાનના માધ્યમથી તેને એક જગ્યાએ સ્થિર કરી શકાય છે.

સૌ કોઈએ ધ્યાન અને યોગ કરવાની શરૂઆત કરવી જોઈએ. યોગ અને ધ્યાનમાં શરૂઆતમાં થોડો થોડો સમય આપી તે સમયને ધીરે ધીરે વધારી શકાય છે. આપણે સૌ પોતપોતાના કામમાં યોગ અને ધ્યાનથી પ્રગતિ કરી શકીએ છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સૂચન અને પ્રયાસોના પરિણામે યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત અને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમવાર ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી.

World Meditation Day

સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ‘વર્લ્ડ મેડિટેશન ડે’ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, આપણા સમાજ અને ગ્રહમાં માઇન્ડફુલનેસ લાવવાનો એક સશક્ત માર્ગ છે, ટેક્નોલોજીના યુગમાં એપ્સ અને માર્ગદર્શિત વિડિયો ધ્યાનને આપણી દિનચર્યામાં સામેલ કરવામાં મદદરૂપ બની શકે છે.

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ ધ્યાન દિવસની જાહેરાત પછી સેંકડો લોકોએ દિલ્હીમાં મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થામાં વિશ્વ ધ્યાન દિવસ પર ધ્યાન કર્યું હતું.

આ દરમિયાન યોગ રિસર્ચ ઓફિસર એ તોરેન સિંહે જણાવ્યું હતું કે, “હું આ સેન્ટરમાં લગભગ 25 વર્ષથી કામ કરી રહ્યો છું. 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ હવેથી 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે. આ બંને એક તો વર્ષનો સૌથી મોટો દિવસ છે અને બીજો મેડિટેશન વિના અધૂરો છે ધ્યાન વગર દરેક વ્યક્તિને તનાવ અને ચિંતા હોય છે તે માટે યોગ કરવું જરૂરી છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે. માનસિક સમસ્યાઓમાં ધ્યાન ખૂબ અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત, વ્યક્તિના મનને નકારાત્મકતામાંથી હકારાત્મકતામાં લાવવા માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક અંદાજ મુજબ, માનસિક સમસ્યાઓના કારણે દર 45 સેકન્ડે એક આત્મહત્યા થાય છે. ધ્યાનને આ સમસ્યાનો ઉકેલ માનવામાં આવે છે, જે એક અસરકારક ઉપાય છે. પ્રાચીન વૈદિક જ્ઞાન પર આધારિત આ પદ્ધતિનું મહત્વ હવે સમગ્ર વિશ્વ સમજી રહ્યું છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment