મહાશિવરાત્રી પ્રસાદ: મહાશિવરાત્રી પર શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મેળવો સ્પીડ પોસ્ટ દ્વારા, જાણો કઈ રીતે ઘેર બેઠા પ્રસાદ મેળવી શકશો.
મહાશિવરાત્રી પ્રસાદ: મહાશિવરાત્રી 2025 (Mahashivratri 2025) પર પોસ્ટ વિભાગની અનોખી નવી પહેલ શરુ કરવામાં આવી છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે પરંતુ કેટલાક ભક્તોની ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકતા નથી તેમના માટે પોસ્ટ વિભાગે નવીન પહેલ શરૂ કરી છે એટલે હવે ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી.
મહાશિવરાત્રી પ્રસાદ: પોસ્ટ વિભાગની નવી પહેલ, સોમનાથ, કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મેળવો સ્પીડ પોસ્ટ દ્વારા
પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, નાગરિકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર નો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ ઉપરાંત, મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૫૦ મિલી ગંગાજળની બોટલ ફક્ત ૩૦ રૂપિયામાં મેળવી શકાય છે.
આ પણ ખાસ વાંચો:
- હોળાષ્ટક 2025 કઈ તારીખથી શરુ થાય છે? જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
- Mahashivratri 2025: મહાશિવરાત્રી 2025 ક્યારે છે? જાણો શુભ મુહુર્ત
- Mahashivratri Wishes In Gujarati: મહાશિવરાત્રી પર પ્રિયજનોને મોકલો આ શુભેચ્છા મેસેજ
- Mahashivratri Quotes In Gujarati: મહાશિવરાત્રી પર્વ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે
- Char Dham Yatra 2025: ચારધામ યાત્રા 30 એપ્રિલ 2025 થી શરુ થઇ રહી છે
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત ₹૨૭0 નો ઈ-મની ઓર્ડર મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- 362268 ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ” લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું ૪૦૦ ગ્રામનું પેકેટ મોકલશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ મગસના લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચીક્કી અને ૧૦૦ ગ્રામ માવા ચીક્કી હશે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, ફક્ત ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન- 221001 ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી, પોસ્ટલ વિભાગ દ્વારા પ્રસાદ તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલવામાં આવશે. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, ૧૦૮ દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પેકેટ વગેરેનો સમાવેશ થાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી હતી કે ઉજ્જૈનના પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ પણ પોસ્ટ દ્વારા મંગાવી શકાય છે. આ માટે, મેનેજેર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈન ને ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર મોકલવાનો રહેશે અને બદલામાં ત્યાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ લાડુ, ભભૂતિ અને ભગવાન શ્રી મહાકાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે.
પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મળી રહે. આ માટે, ભક્તોએ ઈ-મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે.